Monday, June 7, 2010

શાપિત દોષ યોગ

છેલ્લાં કેટલાંક વર્ષથી જ્યોતિષશાસ્ત્રમાંના અવયોગ બાબતે ઘણૂં લખાય છે.જીજ્ઞાસુઓ વાંચે છે-વિચારે છે.નિવારણના પ્રયત્નો પણ થાય છે.કેમદ્રુમ યોગ..ચંદ્રથી બીજે-બારમે કોઈ ગ્રહ નહી હોવાથી થાય છે.રાહુ અને કેતુની વચ્ચે બધા જ ગ્રહો આવી જવાથી કાલસર્પયોગ થાય છે.સૂર્ય કે ચંદ્ર..રાહુથી સંબંધીત હોવાના કારણે ગ્રહણ યોગ થાય છે.રાહુ અને ગુરુની યુતિથી વિપ્રચાંડાલ યોગ થાય છે.શનિ અને રાહુના સંબંધથી શાપિતદોષ યોગ થાય છે.સામાન્ય મત એવો ઉપસ્યો છે કે આ બધી જાતકના જન્મ સમયની સ્થાન પરત્વેની અશુભ ફળદાયી પરિસ્થિતિ માનવી જોઈએ.

પ્રસ્તુત લેખની સમીક્ષા શાપિતદોષ યોગ ના સંબંધમાં છે.

જાતકના જન્મ સમયે શનિ-રાહુના સંબંધથી શાપિતદોષ યોગ અસ્તિત્વમાં આવે છે.

( ૧ ) જાતકની કુંડળીમાં શનિ-રાહુ એક જ સ્થાનમાં હોય અર્થાત્ યુતિ હોય..

( ૨ ) શનિ-રાહુ પરસ્પર સાતમી પૂર્ણ દ્રષ્ટિ કરતા હોય અર્થાત પ્રતિયુતિ હોય..

( ૩ ) શનિ સ્વભાવગત ત્રીજી અને દશમી દ્રષ્ટિ રાહુ પર કરતો હોય ..

જન્મકુંડળીના બદલે ચલિત કુંડળીમાં ઉપર પ્રમાણેની સ્થિતિ હોય તો પણ જાતકનો જન્મ શાપિતદોષ યોગમાં થયો માનવાની શાસ્ત્રોની આજ્ઞા છે.

શાપિતદોષ યોગ કરતા શનિ સાથે યુતિ સંબંધમાં રાહુના અંશો.. શનિના અંશો કરતાં વધારે હશે તો જાતકને કેટલાક અમૂલ્ય ગુણોનું પ્રદાન કરનાર સ્થિતિ પેદા કરે છે જેવા કે બલિદાન-વૈરાગ્ય-ત્યાગ-નિરપેક્ષતા -મોહનો અભાવ તથા સૌજન્ય જોવા મળશે.તેના આચાર-વિચાર-વાણી-વર્તન એક જ રહેશે.જાતક દંભી નહીં હોય.

પરંતુ..શનિના અંશો જો વધારે હશે તો સરમુખ્ત્યારપણૂં-અત્યાચાર-જીદ-ખટપટ-કાવાદાવા વગેરે ..જાતકના જીવનમાં વધુ બળવત્તર બનશે.તેઓ સમાજને આંસુ-આહ-આંતક સિવાય બીજું કશું જ આપી શક્શે નહી.જુગારી-વ્યભિચારી વ્રુત્તિ - નૈતિકતાનું સરેઆમ લીલામ વગેરે સ્થિતિનુ સર્જન સંભવે છે.

શનિ ગ્રહના સિક્કાની બે બાજુ પૈકી એક બાજુએ શનિ અધ્યાત્મિકતા અને ગુઢ પ્રક્રુત્તિનો ગ્રહ છે તો બીજી બાજુએ કષ્ટ-પીડા ,ક્રૂર-બદલાની ભાવનાવાળો ગ્રહ છે.જાતકને ટોચ પર લઈ જઈ નીચે પછાડનાર છે.જાતકના જીવનમાં દરેક કાર્યો વિલંબથી થવા દેનાર છે. એક વાર તો નિર્ધન પરિસ્થિતિમાં ખેંચી જ જાય છે.થોડાં મિત્રો-થોડૂં ધન-સ્ત્રી પાત્રની ચિંતા-સંતાનસુખનો અભાવ વગેરે બાબતોનો પ્રદાયક છે.જાતકને આળસુ બનાવે છે. વાયુપ્રદાયક આ ગ્રહ રાત્રિબલી છે .લાંબો સમય ચાલે તેવી માંદગી આપનાર ગ્રહ છે.વૈરાગ્ય પ્રાપ્તિ-નિવ્રુત્તિના બહાના તળે જાતકને એશ-આરામી-આળસુ જીવન જીવવા તરફ ઘસડી જનાર શનિ જ છે.અતિપાપિ ગ્રહ હોવાથી પાપી-દુષ્ટ-હલકા લોકો પર એનું પ્રભુત્વ છે.વારંવાર થતો સ્થળ બદલો-બીમારી અને દેવું..આ બધી બાબતો શનિનું યોગદાન-બીજા અર્થમાં આ અવક્રુપાનું પરિણામ છે.

રાહુ બાબતે વિચારી શકાય કે છાયાગ્રહ ગણાતો રાહુ જાતકમાં ભ્રમ ઉત્પન્ન કરનાર ગ્રહ છે.સૂર્ય-ચંદ્રના ફળને ગ્રસે છે.જાતકને ડરાવે છે.જાતક ટૂંકા મનનો બને છે.તંદુરસ્તી અને દ્રવ્ય બન્ને ઘટાડે છે.આક્સ્મિક-અકાળ અવસાન રાહુની દેન બની શકે છે.સૂર્ય-ચંદ્ર અને મંગળ..શનિની જેમ રાહુના પણ શત્રુ છે.

જોવાની ખૂબીની બાબત એ ધ્યાન પર આવે છે કે શાપિતદોષ યોગના કારક અને કારણબળ બનતા આ બન્ને ગ્રહો શનિ અને રાહુ મિત્રો છે અને તેમની આ મૈત્રી.. જાતકને પાયમાલ-દુઃખી-દુઃખી કરી નાખતી શાપિતદોષ યોગની પરિસ્થિતિ કહેવાય છે.

સામાન્ય રીતે શાપિતદોષ યોગ જે સ્થાનમાં થતો હોય તે સ્થાન પરત્વેના જાતકને મળવા પાત્ર થતા ફળને અશુભ બનાવીને જ જંપે છે.

તો ચાલો ..હવે આપણે જન્મકુંડળીના બાર સ્થાનોમાં શનિ-રાહુ સંદર્ભિત અસરો પર એક નજર નાંખીએ….

( ૧ )- પ્રથમ સ્થાનમાં શાપિતદોષ યોગ થતો હોય તો દેહ-આરોગ્ય-બાળપણ-આંખ-જીવનશક્તિ-ચહેરાની આકર્ષકતા ઉપર વિપરીત અસર કરે છે.જાતકની જીદગીના દરેક કાર્યોમાં વિલંબ થાય છે.સંસારસુખમાં પણ અવરોધ આવે છે.શરીરનો વાન શ્યામ બને છે.બુદ્ધિ શુદ્ધ ન રહેવા પામે-વ્યવહારમાં ઊદ્ધત્તાઈ આવે..

( ૨ )-બીજા સ્થાનમાં શાપિતદોષ યોગ થતો હોય તો જાતકને ધન-કુટુંબવ્રુદ્ધિ-જમણી આંખ-વાણી-દાંત વગેરે બાબતોમાં ઉણપ સંભવે. અતડાપણું -ઓછું-ઓછું બોલવાનો સ્વભાવ -કુટુંબક્લેષ-ધનસંગ્રહમાં ઓછપ.. એ આ સ્થાનમાંના શાપિતદોષ યોગના જાતકને અનુભવવાં પડતા ફળ મનાય છે.

( ૩ )-ત્રીજા સ્થાનમાં શાપિતદોષ યોગ ધરાવતાં જાતકો હંમેશા ભાગ્યોદય બાબતે નિરાશા અનુભવે છે.ક્યારેક બંધુસુખથી વંચિત રહે છે.આવા જાતકોને સ્વપરાક્રમે આગળ આવી સંપત્તિવાન બનવા માટે ઘણાં બધાં અવરોધોનો હિંમતપૂર્વક સામનો કરવો પડે છે , છતાં દુઃખી હોય છે.

( ૪ )-ચોથા સ્થાનમાં- સુખ-માતા-મકાનના સ્થાનમાં શાપિતદોષ યોગ ધરાવતાં જાતકોને માતા-મકાન-સગાસંબંધી માટે પ્રતિકુળ સંજોગો અનુભવવા પડે છે.માતા-મકાન-વૈવાહિક સુખની ઓછપ તેઓ અનુભવે છે.

( ૫ )-પાંચમા વિદ્યા અને સંતાનના સ્થાનમાં જો શાપિતદોષ યોગ થયો હોય તો જાતકને પેટની બીમારી -સંતાન ચિંતા-શિક્ષણપ્રાપ્તિમાં અવરોધો તથા પ્રયત્નોની બાબતમાં બધી રીતે યોગ્યતા હોવા છતાં નિષ્ફળતા અને સ્ત્રીસુખ વગેરે બાબતોમાં પ્રતિકુળતા અનુભવવા મળે છે.કેતુથી શાપિતદોષ યોગ થતો હોય તો સંતાન બાબતે અપયશ અને લોકનિંદા સહન કરવના પ્રસંગો સંભવે છે.

( ૬ )- છઠ્ઠા ઋણ-રોગ-શત્રુ-મોસાળસુખ-સેવકવર્ગ વગેરેના સ્થાનોમાં જો શાપિતદોષ યોગ હોય તો જાતકને શત્રુઓથી હેરાનગતિનો અવારનવાર અનુભવ થાય છે.બીમારી પીછો છોડતી નથી.જાતકને ઐશ્વર્ય મળે છે.ક્યારેક મોસાળપક્ષ તરફથી અવહેલના-અપયશ-માનહાનિના પ્રસંગો બને છે.વિશ્વાસઘાત થાય અગર ખોટાં આળ ચઢાવવાની ઘટના સંભવે છે.

( ૭ )-સાતમા ભાગીદારી અને દાંપત્યજીવનના સ્થાનમાં શાપિતદોષ યોગ થતો હોય તો જાતકનું દાંપત્યજીવન.. જીવનસાથીની વય-વિચાર-વ્રુત્તિ બાબતે જાતકથી વિરોધાભાસી બની જતું હોય છે.ક્યારેક વિવાહયોગ મોડા થવા માટે પણ આ યોગ જવાબદાર ગણાય છે.ભાગીદારીમાં ધન ઓછું કરનાર -અપયશ અપાવનાર બને છે.એક યા બીજા કારણોસર મતભેદ-મનભેદના કારણે દાંપત્યજીવન દુઃખી થઈ જાય છે..

( ૮ ) - આઠમા અયુષ્યભુવમાં થતો શાપિતદોષ યોગ લંબાણપૂર્વકની માંદગી લાવનાર મનાયો છે.જીંદગીનું ૩૨મું વર્ષ સાચવવા જેવું ગણાય છે.ઝેરી જીવ-જંતુ-વસ્તુઓનો ખ્યાલ રાખવો.એના માધ્યમે જાનહાની થવાની શક્યતાઓ રહેલી છે.શનિ આ સ્થાનનો કારક ગ્રહ ગણાય છે.

( ૯ ) -નવમા ભાગ્યભુવન-દરિયાઈ મુસાફરીના સ્થાનમાં થતો શાપિતદોષ યોગ ૩૦ વર્ષ આસપાસ જાતકનો ભાગ્યોદય કરાવે છે.પિતાને આ યોગ સુખ અપનાર માનવામાં આવતો નથી.જાતકના અંગત જીવનમાં સચ્ચાઈના સ્થાને દંભનું પ્રમાણ વધુ જોવા મળે છે.ક્યારેક જાતક વૈરાગ્ય તરફ ઝૂકે છે.ભાઈઓ સાથે મનમેળ ના રહેવા પામે તથા ઓપરેશન આવવાની શક્યતા રહે છે.પોતાનાથી ઉતરતી જ્ઞાતિના વ્યક્તિ સાથેના સંબંધો તેમના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે.ક્યારેક આવા સંબંધો લાભદાયી પણ નીવડે છે.

( ૧૦ )- દશમા વ્યાપાર-ઉદ્યોગ-કર્મ-આબરૂના સ્થાનમાં જો શાપિતદોશ યોગ હોય થતો હોય તો જાતક દરિદ્રતા ભોગવે છે.આ સ્થિતિમાં ક્યારેક જાતક ખૂબ જ ઊંચે જઈને નીચે પછડાય છે.જાતકને..પિતા સાથે-પિત્રુપક્ષ સાથે ઓછી લેણાદેણી રહે છે.જાતક પોતાની દીર્ઘદ્રષ્ટિથી સારુ સ્થાન અવશ્ય મેળવી શકે છે.વાયુ-પ્રકોપના ભોગ બને છે.

( ૧૧ )-અગિયારમાં-લાભ સ્થાનમાં જો શાપિતદોષ યોગ થતો હોય તો જાતક ૩૦-૩૨ વર્ષની ઉંમર પછી ભાગ્યોદય જોઈ શકે છે.સંતાનો તરફથી આવા જાતકોને હેરાનગતિ થાય છે.પરદેશના સંબંધોથી -સંબંધીઓથી જાતકને સાનુકૂળતા- લાભ પ્રાપ્ત થાય છે.સંપત્તિ મળે છે પણ સંતાન ચિંતા રહેવા પામે છે.

( ૧૨ ) – બારમા -વ્યય-મોક્ષ-જેલયાત્રા-દંડના સ્થાનમાં જો શાપિતદોષ યોગ થયો હોય તો જાતક આર્થિક રીતે ઘસાયેલો જ રહે છે.ઉદારતા એની નબળી બાજુ બની ગરીબાઈમાં સપડાવે છે.ત્યાગ-વૈરાગ્ય-સહનશીલતા કયારેક જાતકનું દુઃખનું કારણ સંભવે છે.આવા જાતકો પાસે બેન્ક-બેલેન્સ ક્યારેય હોતુ નથી..

આ ઉપરાંત…

– યુતિથી શાપિતદોષ યોગ થાય છે તેવી જ રીતે શનિની દ્રષ્ટિ..રાહુ પર પડતી હોય અને રાહુની દ્રષ્ટિ શનિ પર પડતી હોય તો પણ શાપિતદોષ યોગ થાય છે.

-શનિ પોતે જે સ્થાનમાં હોય તે સ્થાનથી ત્રીજા-સાતમા અને દશમા સ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે.

-રાહુ પોતે જે સ્થાનમાં હોય તે સ્થાનથી ફક્ત સાતમા સ્થાન પર જ દ્રષ્ટિ કરી શકે છે.

ટૂંકમાં એમ કહી શકાય કે પરસ્પર દ્રષ્ટિથી થતો શાપિતદોષ યોગ ( યુતિથી થતા શાપિતદોષની સરખામણીએ ) મર્યાદામાં રહીને અશુભ અસરો આપે છે.અને જો જાતકના જન્મસમયે જન્મકુંડળીમાં બીજા શુભયોગ બનતા હોય તો શાપિતદોષ યોગની અસર ઓછી થાય છે.પરંતુ બધા જ ગ્રંથો એક બાબતે સહમત છે કે શાપિતદોષ યોગ જે જાતકની જન્મકુંડળીમાં થાય તે જાતકના જીવનમાં ધન-સંસારસુખ -કેળવણી-આરોગ્ય અને પરાક્રમની સફળતા બાબતમાં ઘણાં અવરોધો-અંતરાયોનો સામનો કરવો જ પડતો હોય છે.


2 comments:

  1. Good article. Enjoyed reading it. I have shrapit dosh in 12 house where Shani and Rahu are in the same house. Can you please write an article on the remedies of Shrapit dosh? I know that one cannot avoid one's karma due to which all these testing grahas are in one's horoscope but atleast there must be some remedies which can make life easier. Pls reply on mailjarna@gmail.com if you get time. Thanks.

    ReplyDelete
  2. thnx 4 liked article
    for remedies u can contact me @ Astrologerhimanshu4u@hotmail.com.thnx.

    ReplyDelete