Tuesday, June 8, 2010


મંગળદોષના અપવાદ

સામાન્ય રીતે વર કે કન્યાની કુંડળીમાં લગ્ને બીજે, ચોથે, સાતમે, આઠમે મંગળ હોય તો આપણે મંગળદોષ માની લઈએ છીએ અને તેના નિવારણ અર્થે વિધિ-વિધાનો તથા અનેક પ્રકારની માનસિક ચિંતાઓથી કે દબાણોથી આવરિત થઈએ છીએ પણ કુંડળીમાં મંગળદોષ દેખીતી રીતે થયો હોવા છતાં તે દોષ સ્વતઃ નાબૂદ થઈ જાય છે. આથી મંગળદોષ જોવાની સાથે દોષના ભયથી ભયભીત થવું જરૃરી નથી પણ આગળ ચાલીને વિચાર કરવો જોઈએ કે આ દોષનું કોઈ ને કોઈ કારણે નિરાકરણ તો થયેલ નથી ને ? આપણા આદ્ય જ્યોતિષ દૈવજ્ઞાોએ આ માટે કેટલાંક સૂત્રો અને સૂચનો માર્ગદર્શન અર્થે ઉપલબ્ધ કરાવ્યાં છે.

(૧) "જામિત્રે ચ યદા સૌરી ર્લગ્ને વા હિબુકે તથા
દ્વાદશે નિધને વાપિ ભૌમ દોષો ન વિદ્યતે."

આ સૂત્રનો અર્થ થાય છે કે જે જન્મકુંડલીમાં મંગળદોષ થયો હોય તે વ્યક્તિની કુંડળીમાં જો ૧-૪-૭-૮-૧૨ સ્થાનમાં શનિ હોય તો મંગળદોષનો સહજ રીતે નાશ થાય છે.

(ર) "શનિ ભૌમોડથવા કૃશ્વિત પાપો વા તાદશો ભવેત્
તેષ્વેવ ભવનેષ્વૈવ ભૌમ દોષ વિનાશકૃત."

કન્યાની કુંડળીમાં જે જગ્યાએ મંગળદોષ થયેલો હોય તે ભાવે કે સ્થાને વરની કુંડળીમાં પ્રબળ ગ્રહ બેઠેલા હોય તો કન્યાના મંગળનો દોષનો નાશ થાય છે.

(૩) જો દોષિત મંગળ વક્રી, નીચ રાશિનો, અસ્ત રાશિનો, મિથુન રાશિનો કે કન્યા રાશિનો થઈને ૧-૪-૭-૮-૧૨ સ્થાનોમાં હોય તો મંગળ દોષિત ગણાતો નથી.

(૪) જન્મકુંડળીમાં થયેલો દોષિત મંગળ લગ્ન ભાવે સ્વક્ષેત્રી કે ઉચ્ચના ગુરુ કે શુક્રની ઉપસ્થિતિમાં દોષિત ગણાતો નથી.

(૫) "અજો લગ્ને વ્યયે ચાપે પાતાલે વૃશ્ચિકે તથા
દ્યુતે મીને ઘટે ચાષ્ટૌ ભૌમ દોષો ન વિદ્યતે."

જન્મકુંડળીમાં લગ્ને મેષનો મંગળ, બારમે ધનનો મંગળ, ચોથે વૃશ્ચિકનો મંગળ, સાતમે મીનનો મંગળ, આઠમે કુંભનો મંગળ હોય તો આવા મંગળદોષને દોષમુક્ત જાણવો. ઉપરના સૂત્રમાં કેટલીક જગ્યાએ નીચે મુજબ ફેરફાર જણાયેલ છે.

"દ્યુતે મૃગે ર્કિક ચાષ્ટૌ ભૌમ દોષો ન વિદ્યતે."

આ સૂત્રના આધારે સાતમા સ્થાનમાં મકરનો અને કર્કનો મંગળ આઠમે હોય તો તે મંગળદોષથી વિમુક્ત ગણાય છે.

(૬) "રાશિ મૈત્રી યદાયાતિ ગણૈક્યં વા યદા ભવેત્
અથવા ગુણ બાહુલ્યે ભૌમદોષો ન વિદ્યતે."

એટલે કે લગ્ન મેળાપક વખતે પતિ-પત્નીની રાશિઓ એકબીજાની મિત્ર રાશિઓ હોય અને જો ગણ બંનેના એક જ હોય કે પછી બંનેની કુંડળીમાં મેળાપક કોષ્ટક મુજબ કે વધુ ગુણ પ્રાપ્ત થતા હોય તો દેખીતો મંગળદોષ હોવા છતાં તેને મંગળદોષ ગણવામાં આવતો નથી.

આ ઉપરાંત કુંડળીમાં થતા કેટલાક યોગોને કારણે મંગળદોષમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. જે નીચે મુજબની સ્થિતિમાં આપણે જોઈશું. અનુભવે તથા શાસ્ત્ર મતે નીચે મુજબના સિદ્ધાંતો મંગળદોષ નિવારણ અર્થે જ્યોતિષીગણે માન્ય રાખવા જેવા છે.

(૧) જો જન્મકુંડળીમાં દેખીતો મંગળદોષ થયો હોય તેમ છતાં ચંદ્ર અને શુક્ર કુંડળીમાં બીજા સ્થાને બેઠેલા હોય તો મંગળદોષ ગણાતો નથી.

(ર) કુંડળીના કેન્દ્રસ્થાને રાહુ હોય તો કુંડળીનો મંગળદોષ નષ્ટ થાય છે.

(૩) દોષયુક્ત મંગળને ગુરુની શુભદૃષ્ટિ સાંપડતી હોય તો મંગળદોષ નષ્ટ થાય છે.

(૪) દોષિત મંગળ જો રાહુ સાથે યુતિમાં હોય તો દોષ રહેતો નથી.

(૫) જન્મકુંડળીમાં ચંદ્ર મંગળનો કેન્દ્રયોગ થતો હોય તો દોષિત મંગળ દોષમુક્ત ગણાય છે.

(૬) દોષિત મંગળવાળી કુંડળીમાં જો કેન્દ્ર કે ત્રિકોણમાં શુભ ગ્રહ બેઠેલ હોય તથા ૩-૬-૮-૧૨ સ્થાનોમાં બેઠેલ હોય તો દોષ નિવારણ થાય છે.

(૭) શનિ-મંગળની યુતિ કે શનિ-મંગળ ષડાષ્ટક યોગે મંગળદોષનો પરિહાર થાય છે.

(૮) ઉચ્ચ કે સ્વક્ષેત્રી મંગળ દેખીતી રીતે દોષ સર્જતો હોય તો પણ દોષમુક્ત ગણાય છે.

(૯) જો દોષિત મંગળ કુંડળીમાં અન્ય ગ્રહોથી રાજ્યોગાદિ શુભ યોગો રચતા હોય તો મંગળદોષનું નિવારણ થાય છે. આ માટે નીચેનું સૂત્ર યાદ રાખવા જેવું છે.

"યોગ કર્તા દોષ મુક્તા"

આમ, કુંડળીમાં મંગળદોષ જોવાની સાથે સાથે ઉપરોક્ત બાબતો બરાબર તપાસીને પછી જ મંગળદોષ નિશ્ચિત કરવો અને દોષ નિશ્ચિત કર્યા બાદ જ તેવી કુંડળીઓને મંગળદોષના નિવારણ અર્થે સલાહ આપવી હિતાવહ છે.


No comments:

Post a Comment