Saturday, November 13, 2010

પ્રેમ - સ્નેહના સંબંધો વિશે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે?












પ્રેમ શબ્દની સૌથી નજીક કોઇ ગ્રહો હોય તો તેમાં શુક્ર-મંગળ-ચંદ્રનાં નામ ગણાવી શકાય. આથી જ પ્રેમલગ્ન કરનારાઓની કુંડળીમાં મંગળ-શુક્રની યુતિ આંખે ઊડીને વળગે છે.


હેતુનૈસર્ગિક : કોપિ પ્રીતર્યદ્વિ ન વર્તતે, માલતી મધુરાસ્તીતિ મધુપ: કેમ શિક્ષ્યતે-પ્રેમ થવા માટે કોઇ કુદરતી કારણ જ હોય છે. જો આવું ના હોય તો માલતી મધુર છે એવું ભમરાને કોણ શીખવે છે.

પ્રેમ સમજવાનો શબ્દ નથી પરંતુ એક અદ્ભુત અનુભૂતિ છે. પ્રથમ દ્રષ્ટિએ જ ભાવવિભોર કરી નાખનારા આ શબ્દની પાછળ અનેક કષ્ટ અને પીડા છુપાયેલાં છે. જગતનો અતિ પ્રિય વિષય પરંતુ તેટલો જ વિવાદાસ્પદ વિષય પ્રેમ છે.

પ્રેમ એટલે મીરા, પ્રેમ એટલે અમૃતા પ્રીતમ, પ્રેમ એટલે હીરરાંઝા, શીરીન ફરહાદ, સોની મહીવાલ અને લયલા મજનૂ. સમગ્ર માનવ જીવનને માણવા, માનવજાતને જીતવા પ્રેમ જેવો વિકલ્પ નથી. પ્રેમને સમજવા ગ્રહોને જાણવા પડે અને જ્યોતિષશાસ્ત્રને ફેંદવું પડે.

બ્રહ્માંડના તમામ ગ્રહોમાં પ્રેમ શબ્દની સૌથી નજીક કોઇ ગ્રહો હોય તો તેમાં શુક્ર-મંગળ-ચંદ્રનાં નામ ગણાવી શકાય કારણ કે શુક્ર એટલે પ્રેમનો ધોધ, લાગણીનો પ્રવાહ શુક્ર એટલે પ્રેમનો પર્યાય, શુક્ર એટલે પ્રેમનું સૌંદર્ય અને પ્રેમનો સ્ત્રોત શુક્ર વ્યક્તિની ઊર્મિ અને આકર્ષણ સાથે સંકળાયેલો ગ્રહ છે. ત્યારે મંગળ પાસે પ્રેમપંથ પર આગળ વધવાની, ધપવાની નીડરતા અને શૂરવીરતા છે.

પ્રેમ નામની જ્યોતમાં મંગળ શૌર્ય અને સાહસનું તેલ પૂરી તેને અખંડ રાખે છે. આથી જ પ્રેમલગ્ન કરનારાઓની કુંડળીમાં મંગળ-શુક્રની યુતિ આંખે ઊડીને વળગે છે. ચંદ્ર પ્રેમના પવિત્ર સંબંધોને શીતળતા અને ઠંડક આપે છે, કારણ કે પ્રેમના ઝરણાનું ઉદ્ભવ સ્થાન ભલે હૃદય હોય પરંતુ ચંદ્ર નામનું મન આ પ્રેમ ઝરણાને સાચી દિશા આપી અને પ્રવાહિતા આપે છે.

મંગળ જ્યારે શુક્રની વૃષભ, તુલા રાશિમાં હોય અને સાથે જો શુક્ર હોય તો આવો જાતક સ્ત્રી કે પુરુષ પ્રેમપ્રવાહમાં તણાય છે. પ્રેમના તાંતણે બંધાય છે. આ પ્રમાણે જન્મકુંડળીમાં ચંદ્ર-શુક્ર સાથે હોય તો સ્નેહ સંબંધો વિસ્તરે છે.

મંગળ-શુક્રની યુતિ શુભ સ્થિતિમાં હોય તો પ્રેમસંબંધો સાચી દિશામાં આગળ વધે છે. વડીલોની આજ્ઞા-આશીર્વાદથી આવા સંબંધ લગ્નમાં પરિણમે છે, પરંતુ મંગળ-શુક્રની યુતિમાં રાહુ-શનિ ભળે તો આવા પ્રેમસંબંધોનો અંજામ ભાગેડુ લગ્નજીવન તરીકે આવે છે.

પ્રતિષ્ઠિત સંસ્થામાં નોકરી કરતાં એક બહેન સુંદર-સંસ્કારી અને સભ્ય છે. પોતાના ટેબલની બાજુમાં બેસતા સહકર્મચારી સાથે પ્રેમ થયો. પ્રણય અંકુર છોડ બન્યો છેવટે વટવૃક્ષ બન્યું અને બંને જણે એક દિવસ ક્યારે ભાગી લગ્ન કરી લીધા તે વાત ઓફિસમાં મોડે મોડે ખબર પડી, બહેનની જન્મકુંડળીમાં વૃષભમાં મંગળ-શુક્રની યુતિ છે.

આવો જ એક અન્ય કિસ્સો છે પરંતુ આ જન્મકુંડળીમાં મંગળ-શુક્રની સાથે ગુરુની યુતિ છે, આથી ગુરુ નામના પવિત્ર ગ્રહે આ જાતકને સાચી સમજ અને દિશા બતાવી. કુંડળીના મંગળ-શુક્રના સંબંધને ગુરુએ નિયંત્રણમાં રાખ્યા. ફળ સ્વરૂપે આ જાતકે પ્રેમસંબંધનાં સાત સાત વર્ષનાં વહાણાં બાદ વડીલોની આજ્ઞા - આશીર્વાદ અને સંમતિથી લગ્ન કર્યાં.

ઉપર્યુક્ત બે કિસ્સા મંગળ-શુક્રના સંબંધ આધારિત પ્રેમલગ્નમાં પરિણમ્યા. મંગળ-શુક્રના સંબંધો હૈયાને હચમચાવી મૂકે છે. મંગળ-શુક્રની યુતિમાં જો ચંદ્રની ચંચળતા ભળે તો ક્યારેક પરિણીત જીવનમાં પણ પ્રેમની આંધી સર્જાય છે, કારણ કે મંગળ સાહસનો કારક ગ્રહ છે.

શુક્ર પ્રેમ સ્નેહનો કારક છે. તેમાં ચંદ્રની ચંચળતા ભળે ત્યારે લગ્નનાં તમામ બંધન અને સામાજિક વાડાબંધીને ભુલાવી દે છે. શુક્ર કામદેવતાનું સાક્ષાત્ સ્વરૂપ છે. તેમાં મંગળનું પુરુષાતન જાતીયતાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે.

શુક્ર સૌંદર્ય તો મંગળ તેનો મેકઅપ છે. શુક્ર પ્રેમ-પરિણયની આકૃતિ છે તેમાં મંગળ પ્રણયનો રંગ પૂરે છે. મંગળ-શુક્રની યુતિ મેગ્નેટિક છે અને મંગળ-શુક્રની યુતિ અગર ચંદ્ર-શુક્રની યુતિવાળા જાતકો પ્રેમ-સ્નેહ-પ્રણયના સાચા હકદાર છે.

No comments:

Post a Comment