Saturday, November 13, 2010

પ્રેમલગ્નની શક્યતાનો સંકેત એટલે મંગળ-શુક્રની યુતિ




મંગળ પૌરાણિક શાસ્ત્રો અનુસાર પૃથ્વીપુત્ર ગણાય છે. મંગળપ્રધાન વ્યક્તિમાં ભગવાન શિવનો જુસ્સો, ગુસ્સો અને પૃથ્વી સમાન માતૃત્વની ઉદારતા જોવા મળે છે. મંગળ એ અગ્નિ તત્વનો ગ્રહ છે.
મંગળ એટલે જ શુભ, કલ્યાણકારી અને પવિત્ર, આમ છતાં જ્યોતિષીઓએ મંગળ ગ્રહને ખૂબ જ વિવાદાસ્પદ બનાવ્યો છે. લગ્ન હોય કે છૂટાછેડા, આપઘાત હોય કે ઓપરેશન મંગળ હંમેશાં અગ્રસ્થાને રહે છે. આ મંગળ જ્યારે અન્ય ગ્રહોની યુતિમાં આવે ત્યારે તેનાં પરિણામ કેવાં હોય તે જોઈએ.

મંગળ સાથે ચંદ્ર જોડાય ત્યારે ચંદ્ર-મંગળનો માંગલ્ય યોગ સર્જાય છે જેને જ્યોતિષની ભાષામાં લક્ષ્મીયોગ કહે છે. આવા જાતકોનો ભાગ્યોદય નદી, દરિયાકાંઠે થતો હોય તેવું અવલોકનમાં આવ્યું છે. ચંદ્ર-મંગળની યુતિવાળા જાતકોને જીવનમાં ધનનું સુખ સારું હોય છે, પરંતુ આવો યોગ શુભ સ્થિતિમાં હોવો જરૂરી બને છે. ધારો કે મકર રાશિમાં આવી યુતિ થાય તો મકર રાશિમાં મંગળ ઉરચનો બને પરંતુ ચંદ્ર અસ્ત રાશિમાં આવતાં નિર્બળ બને છે. મીન રાશિમાં ચંદ્ર-મંગળની યુતિનાં ફળ શ્રેષ્ઠ જોવા મળ્યાં છે, કારણ કે મીન રાશિ ગુરુ ગ્રહની સ્વરાશિ છે અને મંગળ-ચંદ્ર-ગુરુ ત્રણે ગ્રહો મિત્ર ગ્રહો છે.

ચંદ્ર-મંગળની યુતિ પરથી ગોચરમાં જો શનિ-રાહુનું ભ્રમણ થાય તો આવા સમયે જાતકની બે નંબરી આવકમાં વધારો થાય છે, પરંતુ આવા ભ્રમણ સમયે જાતકની તબિયત લથડવાના યોગ પણ સર્જાય છે. આવી ચંદ્ર-મંગળની યુતિનું મૂલ્યાંકન સાચા અર્થમાં થવું જરૂરી છે.

મંગળ-સૂર્યની યુતિ એટલે અંગારક યોગ થાય, કારણ કે બંને ગ્રહો અગ્નિતત્વના ગ્રહો છે. આવી યુતિવાળા જાતકો સ્વભાવે ઉગ્ર અને નાના-નાના બનાવો તેમ જ નજીવી બાબતને લઈને ઉશ્કેરાટ અનુભવતા હોય છે. કુંડળીના જે સ્થાનમાં આવો અંગારક યોગ હોય તે સ્થાનને લઈને જાતકને અશુભ ફળ મળતાં હોય છે. ધારો કે સાતમા સ્થાનમાં આવી યુતિ હોય તો લગ્નજીવનમાં વિરછેદ કે વિસંવાદિતા ઊભી થાય છે.

મંગળ-બુધની યુતિ એટલે બુદ્ધિ-તીવ્રતા અને ઝડપનો સમન્વય કહેવાય, કારણ કે મંગળ એટલે જુસ્સો, ઝડપ, ગતિ અને શૌર્ય, સાહસ જ્યારે બુધ એટલે બુદ્ધિ, મંગળ બુધના સંબંધવાળા જાતકો હંમેશાં લોકપ્રિય અને મહાન હોય છે.

મંગળ-ગુરુની યુતિનો વિચાર કરીએ તો ગુરુ બ્રાહ્મણ ગ્રહ છે. ગુરુ બ્રહ્માંડમાં સૌથી મોટો ગ્રહ છે. ગુરુ એટલે જ સૌમ્ય, માનદ અને જ્ઞાનનો વિકલ્પ ગણાય. મંગળમાં સાહસ અને ઝડપ છે. મંગળ-ગુરુ મિત્ર ગ્રહો છે. બ્રહ્માંડના આ બંને શ્રેષ્ઠ મિત્ર ગ્રહો જ્યારે યુતિમાં આવે ત્યારે જાતકમાં કાર્યદક્ષતા, પ્રામાણિકતા, જ્ઞાન અને નમ્રતા સાથે કાર્ય કરવાની તત્પરતા દેખાય છે. મંગળ-ગુરુની યુતિવાળા જાતકોને સમાજમાં સારો મોભો અને માન-પ્રતિષ્ઠા મળે છે.

મંગળ-શુક્રની યુતિ બાબતે જ્યોતિષ શાસ્ત્રમાં જાતભાતના તર્કવિતર્ક ચાલે છે. મંગળ એટલે ઝડપ અને જુસ્સો, જ્યારે શુક્ર એટલે કામ (સેકસ), કલા, મદુતા. મંગળ-શુક્ર કુંડળીમાં ભેગાં થાય ત્યારે શુક્રના સેક્સમાં ગતિ આવે છે. મંગળની ગરમી શુક્રના શુક્રાણુઓમાં હલનચલન પેદા કરે છે. પરિણામે આવી યુતિવાળા જાતક વધુ પડતા કામી બને છે. મંગળ-શુક્રના અશુભ સંબંધો ક્યારેક બળાત્કાર અગર વિકત જાતીયતા તરફ ધકેલે છે. નારદસંહિતા અને કલ્યાણ વર્માની સારાવલીમાં મંગળ-શુક્રના સંબંધોને અનિષ્ટ અને કલંકિત ગણ્યા છે. આ પ્રકારની યુતિવાળા ગુપ્ત રોગથી પીડાતા હોય છે.

મંગળ-શનિની યુતિ એટલે શત્રુ ગ્રહોની યુતિ ગણાય, કારણ કે બંને ગ્રહોના ગુણધર્મ ભિન્ન છે. શનિ નપુંસક ગ્રહ છે તો મંગળ મર્દ ગણાય છે. શનિ અંધારિયો ગ્રહ છે જ્યારે મંગળ રાતો ગ્રહ છે. શનિ અતિ મંદ ગતિનો ગ્રહ છે. આવી યુતિવાળા મનના મક્કમ અને જિદ્દી હોય છે. ટેક્નિકલ લાઈન માટે આવી યુતિ સારી કહી શકાય, પરંતુ એકંદરે આવી યુતિનાં ફળ માઠાં હોય છે.

મંગળ-રાહુની યુતિ એટલે કૌભાંડ યોગ ગણાય. મંગળના શૌર્ય-સાહસને રાહુ અવળે માર્ગે વાળે છે. આવી યુતિવાળા વ્યસની બનતા હોય છે. તેમ જ પેટના રોગના દર્દી બને છે.

મંગળ-કેતુનું અર્થઘટન મંગળ-રાહુ જેવું ગણાય.

No comments:

Post a Comment